કોઈપણ બીજ... વટવૃક્ષ બનવાની ક્ષમતા ધરાવતું જ હોઈ છે. જરૂર હોઈ છે તેના ઉછેરની જરૂર હોઈ છે.. તેની માવજત લેવાની...

બીજ ને વાવ્યા પછી તેની પુરી કાળજી લેવામાં આવે... યોગ્ય સાર સંભાળ દ્વારા ઉછેર કરવામાં આવે તો બીજમાંથી ચોક્કસ વટવૃક્ષ બની શકે છે, અને અનેક માટે છાંયડો આપવા સમર્થ બની શકે છે. અનેકાનેક જીવોનો ફળ-ફૂલોનો ઉપહાર પુરો પાડી શકે છે...

બસ આવું જ કંઈક બન્યું છે... શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળના ઇતિહાસમાં..

ખળ ખળ વહેતી શેત્રુંજી નદીના કિનારે વસ્યું છે પાદલિપ્તપુર એટલે આજનું પાલીતાણા અને એની ધરતી ઉપર સદીઓ થી અવિચલ ઉભો છે ભક્તિ,સાધના ,શ્રદ્ધા , અને કલા સ્થાપત્ય નો વારસો. સોહામણા શેત્રુંજયના શિખરે બેસણા છે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુના અને એમના સાનિધ્યથી પ્રવિત્ર બનેલા પુદ્દગલો ચોતરફ ફેલાઈ ને જગત આખામાં કરુણા , ક્ષમા અને ભક્તિની ભાવના ને ફેલાવી રહ્યા છે. અને એવો સુભગ સમન્વય જેને ઔશીકે રતનની જેમ સાંપડ્યો છે એવું નગર એટલે ભાવેણું (ભાવનગર).

આ ભાવનગરના નવ લોહિયા યુવાનો શાસનસેવાના ઉમદા ભાવોને ર્હદયસ્થ કરી આચાર્ય ભગવંતની સાથે વિહાર કરતા કરતા ભાવનગરથી પાલીતાણા પહોંચ્યા છે.

ફાગણ સુદ ૧૨ ની સંધ્યા સોળે કળાએ ખીલી ઉઠી છે. સૂર્ય અસ્તાચલે હતો. પરંતુ એના સુવર્ણ કિરણોનો ઉજાસ એક નવા સૂર્યના ઉદયને સૂચવતા હતા. શત્રુંજયને સ્પર્શીને આવતો મંદ મંદ પવન દરેક યુવાનોના દિલમાં સેવા અને ભક્તિના સ્પંદનો ઉપજાવી રહ્યો હતો.

આલંબન હતું : તીર્થાધિરાજ શ્રી શંત્રુંજયનું
મંગલ સાનિધ્ય હતું: યુગાધિદેવ શ્રી આદિશ્વર ભગવંતનું
સ્થાપક હતા : પૂ. મુનિશ્રી હેમરત્ન વિજયજી મ.સા.
દિવસ હતો : વિક્રમ સવંત ૨૦૪૫ ફાગણ સુદ ૧૨ ની સંધ્યા
સ્થાન હતું : કેસરિયાજી ચોક


સ્થાપક ગુરુદેવે બે શબ્દ આપ્યા "પ્રભુ ભક્તિ" અને આ રીતે શત્રુંજયની શીતળ છાયામાં તથા પૂ. મુનિશ્રી હેમરત્ન વિજયજી મ.સા. ના મંગલ આશિષ થી સ્થાપના થઇ "શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ" ની

૨૫-૫૦ યુવકોથી ફુટેલું એ પ્રાર્થનાનું અંકુર આજે ૧૦૦૦ યુવકો સાથે વટવૃક્ષ બની ગયું છે. અને ૩૦-૩૦ વર્ષથી અખંડ અને અવિરત ધારામાં પ્રભુકૃપા અને ગુરુકૃપા મેળવીને શાસનસેવા ના અદભુત કાર્યોમાં સહભાગી થવાનો લાભ મેળવી રહ્યું છે.